Lok Sabha Election 2024 India Today Opinion Poll: લોકસભા ચૂંટણી 2024માં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચેનો મુકાબલો ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યો છે.  સામાન્ય લોકો પણ રાહ જોઈ રહ્યા છે. દરમિયાન ઈન્ડિયા ટુડે સી-વોટર દ્વારા એક સર્વે સામે આવ્યો છે, જે 15 જુલાઈથી 14 ઓગસ્ટની વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર આ ત્રણ મોટા રાજ્યોમાં એનડીએ પર ઈન્ડિયા ગઠબંધનનો દબદબો જોવા મળી રહ્યો છે.


સર્વેના આંકડા અનુસાર  આ ત્રણ રાજ્યોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને 78 બેઠકો પર હારનો સામનો કરવો પડી શકે છે, તેનો ફાયદો વિપક્ષના  ઈન્ડિયા ગઠબંધનને થવાની આશા છે.  2019ની ચૂંટણીમાં NDAએ આ રાજ્યોમાં 130માંથી 98 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ સહિત અન્યને અહીંથી માત્ર 32 બેઠકો મળી હતી. જાણો બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ આ ત્રણ મહત્વના રાજ્યોમાં કુલ 130 બેઠકોમાંથી રાજ્યવાર કેટલી બેઠકો કોને મળવાની અપેક્ષા છે ?



મહારાષ્ટ્રના ચોંકાવનારા આંકડા ?


મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.  જેમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધને 2019ની ચૂંટણીમાં 41 બેઠકો પર જીતી મેળવી હતી.   આ સર્વેમાં  એનડીએને અડધાથી પણ ઓછી બેઠકો એટલે કે  20 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 28 બેઠકો પર જીત મળે તેવુ અનુમાન છે.  સર્વે મુજબ એનડીએને 47 ટકા વોટ શેર મળવાની ધારણા છે અને વિપક્ષ ઈન્ડિયાને 43 ટકા વોટ શેર મળવાની ધારણા છે.


બિહારમાં NDAને 25 બેઠકોનું નુકસાન ?


સર્વેમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન માટે બિહાર સૌથી વધારે ટેન્શન આપતુ રાજ્ય બની શકે છે. બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. ઈન્ડિયા ટુડેના સર્વેમાં NDAને માત્ર 14 સીટો અને ઈન્ડિયા ગઠબંધનને 26 સીટો જીતશે તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. . આ સંદર્ભમાં એનડીએને બિહારમાં 25 બેઠકોનું નુકસાન થવાનો અંદાજ છે. 2019માં NDAએ 40માંથી 39 સીટ જીતી હતી અને કૉંગ્રેસે માત્ર એક સીટ જીતી હતી.


પશ્ચિમ બંગાળમાં NDA ફરી જીત મેળવશે ?


સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં એનડીએ  18 બેઠકો જીતવાનું અનુમાન છે, જ્યારે ટીએમસી સહિત વિપક્ષી ગઠબંધન બાકીની 24 બેઠકો જીતવાની અપેક્ષા છે. 2019ની ચૂંટણીમાં પણ NDAને માત્ર 18 બેઠકો મળી હતી. આ દૃષ્ટિકોણથી પશ્ચિમ બંગાળમાં એનડીએને અહીં ન તો નુકસાન છે કે ન તો ફાયદો.   પશ્ચિમ બંગાળમાં કુલ 42 બેઠકો છે.