નવી દિલ્હી : લોકસભામા OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિપક્ષના વિરોધ વગર પાસ થયું છે. લોકસભામાં આ બિલના સમર્થમાં 385 સભ્યોએ મત આપ્યો હતો. કોઈ સભ્યોએ OBC અનામત માટે બંધારણ સુધારણા બિલનો વિરોધ કર્યો નથી. OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ પસાર થતા હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. આ વર્ષે 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે, મરાઠા અનામતને લગતા કેસ પર સમીક્ષા કરવાની અરજીની સુનાવણી કરવાની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 102 માં બંધારણીય સુધારા બાદ માત્ર કેન્દ્રને જ OBC યાદી જારી કરવાનો અધિકાર છે. રાજ્યોને નહી.
ઓબીસી બીલ પસાર થયા અગાઉ સંસદમાં ઓબીસી બિલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે આ બિલ રજૂ થયા બાદ રાજ્ય સરકારોને ઓબીસી જ્ઞાતિની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. કોંગ્રેસ સહિત અન્ય તમામ વિરોધ પક્ષોએ પણ આ બિલને ટેકો આપ્યો છે. આ સાથે, વિપક્ષી દળોએ ગૃહમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારવાની માંગ પણ કરી છે.