નવી દિલ્હીઃ સંસદમાં હોબાળા અને ધક્કામુકીથી નારાજ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક નિર્ણય લીધો છે. તેમણે લોકસભામાંથી કોગ્રેસના સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. નોંધનીય છે કે બંન્ને ગૃહમાંથી વિપક્ષે દિલ્હી હિંસા પર હોબાળાના કારણે કાર્યવાહી થઇ શકી નહોતી. જેના પર ઓમ બિરલા નારાજ થયા હતા અને જે સાંસદોએ હોબાળો મચાવ્યો હતો એ સ્પીકરની ખુરશી સુધી પહોંચીને નારેબાજી કરી રહ્યા હતા અને પોસ્ટર બતાવી રહ્યા હતા.
કોગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામા આવ્યા છે તેમાં ગૌરવ ગોગોઇ, ટીએન પ્રથપન, ડીન કુરીકોસ, આર ઉન્નીથન, મનિકમ ટેગોર, બેની બેહન અને ગુરુજીત સિંહ ઔજાલાનું નામ સામેલ છે.


ગુરુવારે સવારે પીઠાસીન સભાપતિ ભર્તૃહરિ મહતાબે ઓમ બિરલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસોથી જે પ્રકારે સંસદના કામકાજમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે તેનાથી લોકસભાના સ્પીકર દુખી છે, આખો દેશ દુખી છે.તેમણે કહ્યું કે દિલ્હી રમખાણો મુદ્દો છે, કોરોના વાયરસના કારણે ઉત્પન્ન સ્થિતિ મુદ્દો છે. જેના પર ચર્ચા થાય. પરંતુ જે રીતે હોબાળો થઇ રહ્યો છે તેનાથી કોઇ ફાયદો થશે નહીં.