નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની વિરૂદ્ધ કથિત રીતે મહિલા વિરોથી ટિપ્પણીઓ કરવા પર કોંગ્રેસના સહયોગી પક્ષ પીપલ્સ રિપબ્લિકન પાર્ટી (પીઆરપી)ના નેતા જયદીપ કવાડેની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, બાદમાં કવાડને જામીન પર છોડવામાં આવ્યા છે. કવાડના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મહારાષ્ટ્ર ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી.
વીડિયોમાં કવાડે એ સોમવારના રોજ નાગપુરના બગાડગંજ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં ઇરાનીની વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું કે, સ્મૃતિ ઇરાની ગડકરીની પાસે બેસીને બંધારણ બદલવાની વાતો કરે છે. હું તમને સ્મૃતિ ઇરાની અંગે એક વાત જણાવું છું. તેઓ પોતાના માથા પર મોટો ચાંલ્લો લગાવે છે. મને કોઇ એ કહ્યું છે કે સતત પતિ બદલનાર મહિલાનો ચાંલ્લો પણ મોટો થતો રહે છે. આ બધું નાગપુરથી કોંગ્રેસ ઉમેદવાર નાના પટોલેના પ્રચાર દરમ્યાન કહી રહ્યા હતા. પીઆરપી મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સહયોગી છે.
તેમણે આગળ કહ્યું કે પતિ બદલવો સરળ છે પરંતુ ભારતીય બંધારણ બદલવું ખૂબ જ મુશ્કેલ છે. આ કિસ્સામાં ભાજપે જયદીપની વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. એક ભાજપ નેતાએ કહ્યું કે આ વીડિયો વોટ્સએપ ગ્રૂપ પર મોકલી રહ્યા છે જેથી કરીને મહિલાઓ પટોલાની વિરૂદ્ધ વોટિંગ કરે. તેમણે કહ્યું કે અમે મહિલાઓને એ બતાવા માંગીએ છીએ કે કોંગ્રેસ મહિલાઓનું કેવું સમ્માન કરે છે.