મજૂરો ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી. ટ્રકે બસને ટક્કર મારતા થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્રના ઓફિસરો પહોંચી ગયા હતા અને ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુના પોલીસના કહેવા મુજબ, બસ અને ટ્રકમાં યાત્રી સવાર હતા. આ તમામ લોકો લોકડાઉનના કારણે તેમના ઘરે જઈ રહ્યા હતા. મોડી રાતે બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં 8 લોકોના મોત થયા હતા અને 50થી વધારે ઘાયલ થયા હતા. ઘટના સ્થળે જ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તેની શોધખોળ ચાલુ છે.
કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી દેશભરમાં પ્રવાસી મજૂરો ફસાઈ ગયા છે. રોજગારી છીનવાઈ ગયા બાદ હજારો મજૂરો તેમના વતન તરફ પલાયન કરી રહ્યા છે. શ્રમિકો પગપાળા જ ઘર તરફ ચાલી નીકળ્યા છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં રેલવેના પાટા પર 16 મજૂરો કચડાઈ ગયા હતા.