ભોપાલ:  મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના શિવપુરીથી એક હચમચાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કોરોન (Corona)ના દર્દીનું ઓક્સિજન મશીન વોર્ડ બોયે હટાવી લીધું હતું અને દર્દીનું તરફડી તરફડીને મોત થઈ જાય છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. 


પરિવારનો આરોપ છે કે, મંગળવારે રાત્રે કોવિડ વોર્ડમાં દાખલ શિક્ષક સુરેન્દ્ર શર્માના ઓક્સિજન સપોર્ટને વોર્ડ બોયે હટાવીને બીજા દર્દીને લગાવી દીધો હતો. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને મૃત્યુ થયું છે. તેમનો પુત્ર દીપક શર્મા મંગળવારે રાત્રે 11 વાગ્યા સુધી પિતા સાથે જ હતો. આગલા દિવસે સવારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે હું ત્યાં પહોંચ્યો હતો. 


તેણે જણાવ્યું હતું કે, 2-3 દિવસથી પિતાની તબિયત સારી હતી. રાત્રે કોઈએ ઓક્સીન હટાવી લીધું અને તે તડપતા રહ્યાં. સવારે ફોન આવ્યો ત્યારે હું દોડતો હોસ્પિટલ આવ્યો. મે ડોક્ટર-નર્સોને કીધું કે ઓક્સિજન લગાવી દો પરંતુ તેઓએ લગાવ્યું નહોતું. જેના કારણે 10-15 મિનિટમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. 



પરિવારનો આરોપ છે કે, તેઓએ હંગામો કરતા હોસ્પિટલે સીસીટીવી ફૂટેજ આપ્યા. જેમાં સ્પષ્ટ જોઈ શકાઈ છે કે, એક યુવક દર્દીનું ઓક્સિજન સપોર્ટ હટાવી રહ્યો છે. સામેથી કોઈ ગાર્ડ પણ આવે છે અને બન્ને જતાં રહે છે. આ મામલે હાલમાં પ્રશાસને ચિકિત્સા વિભાગના અધ્યક્ષ ડૉ અનંત કુમાર રાખોડેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની ટીમની રચના કરી છે જે 48 કલાકમાં સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ સોંપશે.  



જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અર્જુન લાલ શર્માએ કહ્યું કે,  સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે. જો કોઈએ અપરાધ કર્યો છે તો તેમને સજા આપવામાં આવશે અને દંડ કરાશે. 



મધ્ય પ્રદેશમાં શું છે કોરોનાની સ્થિતિ


મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 9720 કેસ સામે આવ્યા હતા. જ્યારે 51 લોકોના મોત થયા હતા.