ઈન્દોરઃ મધ્યપ્રદેશ સહિત ૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી ચાલી રહી છે. ૫૮ પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. રાજ્યમાં ભાજપ એક સીટ જીતી ચુક્યું છે અને 20 પર આગળ છે.

ખંડવા જિલ્લાની માન્ધાતા સીટ પરથી ભાજપના નારાયણ પટેલ વિજેતા બન્યા છે. તેમણે કોંગ્રેસના ઉત્તમપાલ સિંહને 22,129 મતથી હાર આપી છે. ભાજપના ઉમેદવારને 80,004 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 58,013 વોટ મળ્યા છે.



મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વિટ કરીને કહ્યું, રાજ્યની જનતાએ ફરી એક વખત વિકાસ અને જનકલ્યાણ માટે સંકલ્પિત બીજેપીને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. જે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

વિવિધ એક્ઝિટ પોલ્સમાં ભાજપને 14-18 બેઠક મળવાનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 10-12 બેઠક મળશે તેવો અંદાજ હતો. મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 સીટ છે. બીજેપી પાસે હલ 107 ધારાસભ્ય છે, કોંગ્રેસ પાસે 87 ધારાસભ્ય છે.