ભોપાલ: મધ્યપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના પરિણામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના નામ જાતિ પ્રમાણે આપતા વિવાદ વકર્યો છે. કૉંગ્રેસે પ્રદેશમાં સત્તારૂઢ ભાજપ પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે કહ્યું સરકારનો આ પ્રયાસ પ્રદેશને જાતિના આધાર પર વહેંચવાનો છે. જો કે શિક્ષણ બોર્ડે કહ્યું કે, 14 મે ના રોજ જાહેર કરવામાં આવેલા પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીઓને જાતિની શ્રેણીના આધાર પર કોઈ વિભાજન કરવામાં આવ્યું નથી. આ ડેટા કલેક્ટ કરવા માટે માત્ર એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
જાહેર કરવામાં આવેલા રિઝલ્ટમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર કેટેગરી પ્રમાણે આપવામાં આવી છે. જેમાં એસટી, એસસી, ઓબીસી, જનરલ કેટગરી દર્શાવી છે. મધ્યપ્રદેશના કૉંગ્રેસ અધ્યક્ષ કમલનાથે આ મામલે કહ્યું કે આ ભાજપની નિમ્નસ્તરનો વિચાર દર્શાવે છે.
કમલનાથે ટ્વિટ કરી કર્યું કે, “ભાજપ પ્રદેશને જાતિગત આધાર પર ભાગલા પાડવાનું કાર્ય કરી રહી છે. હાઈસ્કૂલના રિઝલ્ટમાં પણ જાતિગત આધાર પર જાહેર કરવું, ભાજપની નિમ્નસ્તરીય વિચાર દર્શાવે છે. ”
આ મામલે મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એસ આર મોહંતીએ કૉંગ્રેસના આરોપનું ખંડન કરતા તેને ખોટી ખબર ગણાવી હતી. તેમણે કહ્યું, “આ માત્ર ડેટા છે જે પરીક્ષાના રિઝલ્ટમાંથી કાઢવામાં આવ્યા હતા. કેટેગરી પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા તેની માહિતી માટે કરવામાં આવ્યું હતું. તમામ બોર્ડ આ પ્રકારે ડેટા તૈયાર કરે છે. બોર્ડ વિદ્યાર્થીઓની માર્કશીટ પર પણ જાતિનો ઉલ્લેખ નથી કરતી. હજુ માર્કશીટ બનીજ નથી તો આ જાતિ આધારિત વિભાજન કઈ રીતે ગણાવી શકાય. ”