બેંગલુરુ: કર્ણાટકના આગામી મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે કૉંગ્રેસના જી પરમેશ્વર શપથગ્રહણ કરશે. જી પરમેશ્વર કર્ણાટકના મોટા દલિત નેતા છે. કૉંગ્રેસના કયા નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી હતી અને તેના માટે જી પરમેશ્વર સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.


કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષનું પદ પર કૉંગ્રેસ નેતા કેઆર રમેશ કુમારની નીમણુંક કરવામાં આવશે અને નાયબ સ્પીકરનું પદ જેડીએસને મળશે. કર્ણાટકની કુમારસ્વામીની કેબિનેટમાં કુલ 34 મંત્રી હશે. જેમાં 22 મંત્રી પદ કૉંગ્રેસને મળશે અને 12 કેબિનેટ મંત્રીના પદ જેડીએસના ખાતામાં જશે જેમાં કુમારસ્વામી પણ સામેલ છે.

23 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ 24 મેના રોજ વિધાનસભામાં બહુમત સાબિત કરશે. ફ્લોર ટેસ્ટ બાદ મંત્રીઓને મંત્રાલય આપવામાં આવશે.

કર્ણાટકના નવા મુખ્યમંત્રી કુમારસ્વામીએ આજે સ્વીકાર કર્યું કે આગામી પાંચ વર્ષ કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર ચલાવવું તેના માટે મોટો પડકાર રહશે, કુમારસ્વામીએ કહ્યું કે, મારી જિંદગીની આ મોટો પડકાર છે. હું આ અપેક્ષા નથી કરતો કે હું ખૂબજ સરળતાથી મુખ્યમંત્રી તરીકે પોતાની જવાબદારી પૂરી કરી શકીશ.