ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. કમલનાથે વિશ્વાસમત પહેલા જ પત્રકાર પરિષદ કરી ભાજપ પર સરકાર પાડવાનો મોટો આરોપ લગાવ્યો છે. જનતાએ અમને પાંચ વર્ષ માટે તક આપી હતી. 15 મહિનામાં પ્રદેશને નવી દીશા આપવાનું કામ કર્યું છે. પ્રથમ દિવસથી જ ભાજપે ખેલ કરવાનું શરૂ કર્યું હતું. મધ્યપ્રદેશમાં ભાજપને 15 વર્ષ મળ્યા મને 15 મહિના મળ્યા. જનતા ક્યારેય તેમને માફ નહી કરે. કરોડો રૂપિયા ખર્ચીને ભાજપે ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કર્યો. વિશ્વાસ મત પહેલા જ કમલનાથે રાજીનામું આપ્યું છે.



મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, મારો શું વાંક, મેં હંમેશા વિશ્વાસ સાથે વિકાસ કર્યો છે, રાજ્ય પુછી રહ્યું છે મારો શું વાંક છે. છેલ્લા 15 મહિનાથી બીજેપી કાવતરા રચી રહી હતી. સરકાર પાડવા હંમેશા કાવતરા કરી રહી હતી.



બળવાખોરોને પ્રજા ક્યારેય માફ નહીં કરે, બીજેપીને 15 વર્ષ અને મને માત્ર 15 મહિના જ મળ્યા. બીજેપીએ લોકશાહીની હત્યા કરી નાંખી છે.

કૉંગ્રેસને હાલ બસપાના 2, સમાજવાદી પાર્ટીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ રીતે કૉંગ્રેસનો આંકડો 99 પર પહોંચે છે, જે બહુમત માટે ઓછો છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્યપ્રદેશના સ્પીકર એનપી પ્રજાપતિએ વિશ્વાસ મત પહેલાજ ઘણા ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરી લીધા છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 23 ધારાસભ્યોના રાજીનામા મુજૂર કરવામાં આવ્યા છે. જેમાં 22 કૉંગ્રેસ અને 1 ભાજપના ધારાસભ્ય સામેલ છે.