Madhya Pradesh Election 2023: આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે જબલપુર પહોંચ્યા હતા. તેઓ શનિવારે (16 સપ્ટેમ્બર) ના રોજ અહીં મીડિયા સાથે રૂબરૂ થયા હતા, આ દરમિયાન તેમણે 14 ટીવી એન્કરોના શૉમાં પોતાના પ્રતિનિધિને ના મોકલવાના ઈન્ડિયા એલાયન્સના નિર્ણય પર કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી અને ટીકા કરી હતી.


હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "તેઓ (કોંગ્રેસ) જે વ્યસન ધરાવે છે, સેન્સરશિપ લાદવી, મીડિયાનો બહિષ્કાર કરવો, તેનો ઈતિહાસ 1975થી શરૂ થાય છે. આ નવું નથી. આ (એન્કરોનો બહિષ્કાર) તેમનું રિહર્સલ છે. ભારતમાં જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવે તો, તે મીડિયા પર સેન્સરશિપ લાદશે."


તેમણે ચંદ્ર પર મોકલવા અંગે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'આ સારી વાત છે કે ઈસરોએ યોગ્ય સમયે ચંદ્રયાન બનાવ્યું છે. અમે આખી કોંગ્રેસને તેમાં બેસાડીને ચંદ્ર પર મોકલીશું. ત્યાં જાઓ અને સરકાર બનાવો, ત્યાં જાઓ અને પ્રતિબંધ લાદો. કોઇ વાંધો નહી.


બાળકો જેવી રમત રમી રહી છે કોંગ્રેસ 
એન્કરના બહિષ્કારના પગલાને બાળકોના વર્ગના વર્તન સાથે સરખાવતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "બાળપણમાં જ્યારે પણ ક્લાસમાં અણબનાવ થતો ત્યારે અમે કટ્ટી કરતા હતા. એ જ રીતે કોંગ્રેસમાં પણ વાતાવરણ એવું જ બન્યું છે. કટ્ટી કરી રહ્યા છીએ. કોઈનો ચહેરો સારો નથી, કટ્ટી-કટ્ટી. એક રાજકીય પક્ષ છે પણ તે આ રીતે બાળકો જ જેવું બાલિશ વર્તન કરે છે."


ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા એલાયન્સના મીડિયા સેલની વર્ચ્યૂઅલ મીટિંગમાં દેશના 14 જાણીતા એન્કરના કાર્યક્રમોમાં પ્રવક્તા નહીં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી હતી. જે બાદ સમગ્ર દેશમાં આ અંગે હોબાળો મચી ગયો છે.


કોંગ્રેસે કરી સ્પષ્ટતા - 
જોકે પવન ખેડાએ શનિવારે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ઈન્ડિયા એલાયન્સે કોઈનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો નથી. વાત માત્ર એટલી છે કે જે એન્કરના કાર્યક્રમોમાં પ્રતિનિધિ ના મોકલવાની વાત હોય છે, તેઓ તેમના કાર્યક્રમો દ્વારા નફરત ફેલાવે છે. અમને તેનો ભાગ ન બનવાનો અધિકાર છે અને તેથી અમે તેમાં અમારા પ્રતિનિધિને મોકલીશું નહીં.