મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની હતી. વાસ્તવમાં પોલીસે હેલ્મેટ ન પહેરવા બદલ પગપાળા જઇ રહેલા એક વ્યક્તિને 300 રૂપિયાનું ચલણ ફટકાર્યું હતું. આ ઘટના બાદ પીડિતે એસપી ઓફિસ પહોંચી ન્યાય માટે વિનંતી કરી અને મામલાની તપાસ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.
એક રાહદારીને ચલણ ફટકાર્યું
વાસ્તવમાં પન્ના જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર અજયગઢના રહેવાસી સુશીલ કુમાર શુક્લા પોતાની દીકરીના જન્મદિવસનું આમંત્રણ આપવા માટે બહાદુરગંજ ગયા હતા. પાછા ફરતી વખતે પોલીસે તેમને રોક્યા હતા અને બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી દીધા હતા.
રિપોર્ટ અનુસાર, આ પછી પોલીસકર્મીઓએ તેને ધમકી આપી અને અજયગઢ પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં તેને લાંબા સમય સુધી બેસાડવામાં આવ્યા હતા. જ્યારે સુશીલે પોલીસને તેની પુત્રીના જન્મદિવસ પર કેક કાપવાની હોવાની વાત કરી હતી ત્યારે પોલીસે ત્યાં પાર્ક કરેલી એક અજાણી મોટરસાઇકલનો નંબર લખી લીધો અને હેલ્મેટ ન પહેરવા બદલ તેના નામે ચલણ જાહેર કર્યું હતું.
આ ઘટનાથી પરેશાન સુશીલ કુમાર પન્ના પહોંચ્યા અને એસપીને મળ્યા અને પોતાની વ્યથા વર્ણવી હતી. તેમણે આ મામલાની તપાસ અને દોષિત પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પીડિતે એસપીને અપીલ કરી
આ અંગે પન્નાના એસપીએ કહ્યું હતું કે આ મામલો અધૂરો લાગે છે. અજયગઢના એક યુવકે ફરિયાદ કરી છે કે જ્યારે તે ચાલતો જઇ રહ્યો હતો ત્યારે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસની તપાસ અજયગઢના SDOP રાજીવ સિંહ ભદૌરિયાને સોંપવામાં આવી છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પીડિત સુશીલ કુમાર પોલીસ તપાસ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યો છે. આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે.