સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવા પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે આ સંદર્ભમાં દાખલ કરાયેલી સમીક્ષા અરજીઓ ફગાવી દીધી છે. 17 ઓક્ટોબર, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ તે નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ 5 ન્યાયાધીશોની બેન્ચે સ્વીકાર્યું છે કે નિર્ણય સાચો હતો.


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈના નેતૃત્વ હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચે સમીક્ષા અરજીઓ માટે નિર્ધારિત નિયમો અનુસાર બંધ ચેમ્બરમાં તેની સુનાવણી કરી હતી. જો ન્યાયાધીશોને લાગતું હોય કે અગાઉના નિર્ણયમાં કોઈ કાનૂની ખામી છે અથવા તે નિર્ણયમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા નથી તો તેઓ તેને ખુલ્લી અદાલતમાં સાંભળવાનો આદેશ આપશે. પરંતુ ન્યાયાધીશોને ફરીથી સુનાવણીની જરૂર લાગી નહોતી.


જસ્ટિસ ગવઈ સાથે બેન્ચમાં જે 4 જજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમના નામ છે - જસ્ટિસ સૂર્યકાંત, બીવી નાગરત્ના, પીએસ નરસિમ્હા અને દીપાંકર દત્તા. આમાંથી જસ્ટિસ નરસિમ્હા એકમાત્ર એવા જજ છે જે 2023માં ચુકાદો આપનાર 5 જજોની બેન્ચના સભ્ય હતા. તે બેન્ચના બાકીના ચાર સભ્ય જજ હવે નિવૃત્ત થઈ ગયા છે.


જે ચુકાદા પર પુનર્વિચાર કરવા માટે 13 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે લગ્ન મૂળભૂત અધિકાર નથી. સમલૈંગિકોને પણ પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અને તેની સાથે રહેવાનો અધિકાર છે, પરંતુ સરકારને તેમના સંબંધને લગ્નનો દરજ્જો આપવાનો અથવા અન્ય કોઈપણ રીતે તેને કાનૂની માન્યતા આપવાનો આદેશ આપી શકાતો નથી. જો સરકાર ઇચ્છે તો આવા યુગલોની ચિંતાઓ પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવી શકે છે. કોર્ટે સ્વીકાર્યું હતું કે આ વિષય સરકાર અને સાંસદોના અધિકારક્ષેત્રમાં આવે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સમલૈંગિક કપલ્સ બાળકને દત્તક લઈ શકતા નથી.                                                        


માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો