નવી દિલ્હીઃ જાણીતી ચાઇનીઝ એપ TikTok પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે આ વીડિયો શેરિંગ એપ પરથી પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લીધો છે. Tik Tok તરફથી કોર્ટમાં અરવિંદ દાતારે દલીલ કરી હતી હતી કે, આ એપને બેન કરવી સમસ્યાનું સમાધાન નથી. યૂઝર્સની સુરક્ષા કરવી પણ જરૂરી છે.


કંપની માટે આ રાહતની વાત છે. કારણકે પ્રતિબંધના કારણે કંપનીને દરરોજ 5 લાખ ડોલર (આશરે 3.49 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ રહ્યું હતું. Tik Tok ભારતમાં ઘણી જાણીતી છે અને કંપનીના કહેવા મુજબ ભારતમાં 300 મિલિયન યુઝર્સ છે.

મદ્રાસ હાઇકોર્ટે Tik Tok પર પ્રતિબંધ મૂકવાનો ફેંસલો લીધા બાદ ગૂગલ અને એપલે ભારતમાં આ એપને પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી હટાવી લીધી હતી. જોકે, ટૂંક સમયમાં જ આ એપ ડાઉનલોડ માટે ઉપલબ્ધ બનશે.

Tik Tok પર પ્રતિબંધ બાદ કંપનીએ કહ્યું હતું કે, કંપનીના પ્લેટફોર્મ પરથી કમ્યુનિટી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતાં 60 લાખ વીડિયો હટાવવામાં આવ્યા છે. એટલું જ નહીં કંપનીએ કહ્યું કે, કોમેન્ટ્સમાં ફિલ્ટર્સ લગાવવાનું ઓપ્શન આપવામાં આવી રહ્યું છે, જેનાથી અણગમતી કોમેન્ટ્સની લોકોને છૂટકારો મળી શકશે.