મુંબઈ: ઈવીએમના વિરોધમાં દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે જેની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે તે પહેલા વિરોધી પાર્ટીઓએ ઈવીએમ હટાવી બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી છે. આમ ન કરવા પર વિરોધી પાર્ટીઓ ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના નેતૃત્વમાં આજે તમામ વિરોધી પાર્ટીઓ એક સાથે આવી અને દેશમાં યોજાનારી ચૂંટણીમાં ઈવીએમનો વિરોધ કર્યો હતો.


કૉંગ્રેસ, એનસીપી, એમએનએસ, આમ આદમી પાર્ટી, સીપીઆઈ અને અન્ય પ્રાદેશિક પક્ષોના પ્રમુખ આજે એક મંચ પર જોવા મળ્યા અને ઈવીએમ વિરૂદ્ધ આંદોલન કરવાની જાહેરાત કરી. રાજ ઠાકરે આ મામલે માત્ર રાજ્યમાં જ નહી પરંતુ સમગ્ર દેશના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. બુધવારે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી ઈવીએમને લઈને મહારાષ્ટ્રમાં થવાના આંદોલનમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા વિરોધપક્ષો ઈવીએમને લઈને આક્રમક ભૂમિકા નિભાવવાની તૈયારીમાં છે.

રાજ ઠાકરે, અઝિત પવાર, બાલાસાહેબ થોરાત, છગન ભુજબળ, રાજુ શેટ્ટી જેવા તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એક સાથે એક મંચ પર આવ્યા અને ઈવીએમનો વિરોધ કર્યો હતો. વિપક્ષી પાર્ટીઓનું માનવું છે કે લોકસભા ચૂંટણીમાં મળેલી હાર તેમની નિષ્ફળથા નહી પરંતુ ઈવીએમમાં થયેલી છેડછાડનું પરિણામ છે. વિરોધીઓ માને છે કે જ્યારે સમગ્ર દુનિયામાં ઈવીએમનો ઉપયોગ નથી તો પછી ભારતમાં કેમ કરવામાં આવી રહ્યો છે.

રાજ ઠાકરેએ કહ્યું, મે ચૂંટણી પંચને પુછ્યું કે આ મશીનનો જીવ જે ચિપમાં છે તે ચિપ કયા બને છે. જવાબમાં બતાવવામાં આવ્યું કે અમેરિકા. હવે અમેરિકાએ ખુદ આ મશીનનો ઉપયોગ બંધ કરી દિધો છે તો પછી આપણે શુ કામ કરી રહ્યા છીએ.

આ મુદ્દાને લઈને રાજ ઠાકરેએ કેંદ્રીય ચૂંટણી પંચના કમિશનર સાથે મુલાકાત કરી અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. પરંતુ રાજ ઠાકરેનું કહેવું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટથી લઈને ચૂંટણી પંચ સુધી તેમને ન્યાય મળવાની કોઈ આશા નથી. એટલા માટે તેઓ વિરોધ પક્ષોને એક કરવામાં લાગ્યા છે.