મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી આગામી બે દિવસોમાં જાહેર કરાશે અને આ યાદીમાં 50 જેટલા ઉમેદવારોના નામ હશે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ બાલા સાહેબ થોરાતે એબીપી સાથે વાતચીત દરમિયાન આ જાણકારી આપી હતી. થોરાટે કહ્યું કે વર્તમાન ધારાસભ્યોમાંથી મોટાભાગનાને ટિકિટ આપવામાં આવશે.


સૂત્રો અનુસાર પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને અશોક ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ બાલા સાહેબ થોરાત, વિધાનસભામાં કૉંગ્રેસ દળના નેતા વિજય મુદત્તિવાર જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડશે. જો કે સંજય નિરુપમ, મિલિન્દ દેવડા, રાજીવ સાતવ જેવા મોટા નેતાઓના નામ ચૂંટણી મેદાનમાં નહીં હોય. સૂત્રોએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી લડનારા ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવાશે નહીં. જો કે કેટલાક અપવાદ હોય શકે.

મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું, નવા નેતાઓને પણ તક આપવામાં આવશે. જે જીતવા યોગ્ય હોય તેમને ટિકિટ આપવામાં આવશે. સૂત્રો અનુસાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ સામે કૉંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉતારશે.