નવી દિલ્હીઃ કાશ્મીરથી લઇને એનઆરસી સહિત વિવિધ મુદ્દા પર કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલા કરતા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં બેનર્જીએ કહ્યું કે, આ રાજકીય પરંતુ એક સરકારની બીજી સરકાર સાથે મુલાકાત હતી. મમતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન તેમણે પશ્વિમ બંગાળ માટે ખાસ પેકેજ માંગ્યું, રાજ્યના નામ બદલવા અને  વીરભૂમિમાં કોલ બ્લોક સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યુ કે, તે ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુરુવારે મુલાકાત કરશે કારણ કે તે હાલમાં ઝારખંડમા છે.


કેન્દ્ર પર સુપર ઇમરજન્સીનો આરોપ લગાવનારા મમતા બેનર્જી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે તમામની નજર વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાત પર હતી. પત્રકારોએ તેમને જ્યારે પૂછ્યું કે,એનઆરસી પર ચર્ચા થઇ તો તેઓ ભડકી ગયા હતા અને કહ્યું કે, રાજકીય સવાલો ના પૂછો. આ એક સરકારની બીજી સરકાર સાથે મુલાકાત હતી. મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સામે પશ્વિમ બંગાળનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વડાપ્રધાનને કહ્યું કે, વિધાનસભાના નામ બદલવાને લઇને પ્રસ્તાવ પસાર કર્યો હતો અને અમે તેનું નામ બાંગ્લા નામ રાખવા માંગીએ છીએ. બંગાળની મુખ્યમંત્રી કેન્દ્ર સરકાર પાસે 13000 કરોડનું વિશેષ પેકેજ માંગ્યુ છે.