મુંબઇઃ રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે સાંજે સતારામાં ભારે વરસાદ વચ્ચે એક રેલી સંબોધિત કરી હતી. જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. એનસીપી વડા શરદ પવારે મહારાષ્ટ્રના સતારામાં રેલી કરવા પહોંચ્યા હતા.

ન્યૂઝ એજન્સી આઇએએનએસના મતે ભારે વરસાદે આયોજન સ્થળની વ્યવસ્થા વિખેરી નાખી હતી. કેટલાક લોકો આ રેલીને રદ કરવાનુ વિચારી રહ્યા હતા પણ ત્યાં અચાનક આવેલા ભારે વરસાદ વચ્ચે શરદ પવાર મંચ પર પહોંચ્યા હતા અને ભાષણ આપવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પોતાના ભાષણમાં રાજ્યની ભાજપ-શિવસેના અને કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.