મહારાષ્ટ્રઃ વિપક્ષને PM મોદીનો પડકાર, કહ્યું- હિંમત હોય તો મેનિફેસ્ટોમાં કલમ 370 ફરીથી લાગુ કરવાનું લખો
abpasmita.in | 13 Oct 2019 01:45 PM (IST)
વડાપ્રધાને કહ્યું કે, જનસભાઓ તો લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ થઇ હતી પરંતુ જલગાંવની આ જે જનસભાને છે તે અદભૂત છે.
મુંબઇઃ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને જલગાંવમાં રેલી સંબોધી કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ એકવાર ફરી ફડણવીસના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર માટે સમર્થન માંગવા આવ્યા છે. સાથે જ તેમણે કલમ 370નો વિરોધ કરનારા પક્ષોને પડકાર આપ્યો હતો કે જો હિંમત હોય તો તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખે કે તે કલમ 370 પાછી લાવશે. વડાપ્રધાને કહ્યું કે, જનસભાઓ તો લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ થઇ હતી પરંતુ જલગાંવની આ જે જનસભાને છે તે અદભૂત છે. આપણે તમામ લોકો આગામી પાંચ વર્ષો માટે દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં મહાગઠબંધનની સરકાર માટે તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. સાથે તમે લોકસભા ચૂંટણીમાં અમને જે આશીર્વાદ આપ્યા હતા તે માટે આભાર માનું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાંચ ઓગસ્ટના રોજ ભાજપ-એનડીએની સરકારે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો. એવો નિર્ણય કે જેના અંગે વિચારવું અસંભવ લાગતું હતું. કાશ્મીરમાં ફક્ત આતંક અને અલગતાવાદીઓનો વિસ્તાર થઇ રહ્યો હતો. જમ્મુ કાશ્મીર અને લદાખ એક જમીનનો ટૂકડો નથી પરંતુ તે મા ભારતીનું મસ્તક છે, ત્યાંનો એક એક કણ ભારતની શક્તિને મજબૂત કરે છે. વડાપ્રધાને 370 કલમનો વિરોધ કરનારા રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો કે જો તમારામાં હિંમત હોય તો તે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. એટલું જ નહી વડાપ્રધાન મોદીએ આવા પક્ષોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાની જાહેરાત કરવાની માંગ કરી હતી. આજે મહારાષ્ટ્રના લગભગ 10 લાખ બહેનોને અમારી સરકારની આવાસ યોજનાના કારણે પોતાનું પાકુ મકાન મળ્યુ છે અને પરિવારની સંભાળ રાખી રહી છે.