મુંબઈ:  મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો  છે. અહીં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વણસેલી સ્થિતિનેને લઈ લૉકડાઉન લદાશે કે નહીં તેનો નિર્ણય આજે ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે સર્વદળીય બેઠક બોલાવી હતી. રાજ્યમાં લૉકડાઉન (Lockdown) પર ચર્ચા માટે બોલાવેલી આ બેઠકમાં તમામ પાસાઓ પર ચર્ચા થઈ હતી. ત્યાારે બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો લોકડાઉન લાદવામાં આવશે તો લોકો રસ્તા પર ઉતરી આવશે. 



બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રાજ્યમાં જો કેસમાં ઘટાડો નહીં આવે તો 21 એપ્રિલ સુધીમાં સ્થિતિ ખૂબજ ખરાબ થઈ શકે છે. એવામાં આ સમય લૉકડાઉનનો છે, લૉકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ત્યારે બેઠક દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં જો સંપૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવશે તો જનતા રસ્તાઓ પર ઉતરી શકે છે.  તેમણે કહ્યું કે, લોકોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરવામાં આવે. 



મહારાષ્ટ્રમાં લાગુ છે વિકેન્ડ લૉકડાઉન 



મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કોરોના નિવારણ માટે સરકારે વીકએન્ડ લોકડાઉન લગાવી દીધું છે. સપ્તાહના અંતે લાદવામાં આવેલા લોકડાઉનને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળ્યો છે. મુંબઇ, પૂના, ઔરંગાબાદ અને નાગપુર સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં રસ્તાઓ અને બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ સપ્તાહનું લોકડાઉન શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયું હતું અને સોમવારે સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.



મહારાષ્ટ્રમાં શુક્રવારે નોંધાયા 58 હજારથી વધુ કેસ 


મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 58,993 કેસ નોંધાયા  હતા અને વધુ 301  દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયું હતું. માત્ર મુંબઈમાં 9200 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 35 લોકોના મોત થયા હતા. 
 


મહારાષ્ટ્રમાં અત્યાર સુધી  32,88,540 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અને  57,329 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના 56,286 નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે 59,907 નવા કેસ નોંધાયા હતા.