કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કામાં 44 વિધાનસભા બેઠકો પર શનિવાર મતદાન યોજાયું હતું. જેમાં સાંજે પાંચ વાગ્યા સુધી 76.16 ટકા મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી.
સૌથી વધુ મતદાન કુચ બિહાર જિલ્લામાં 79.73 ટકા થયું હતું. જ્યારે હુગલી જિલ્લામાં 76.2 ટકા મતદાન નોંધાયું હતું. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 75.49 ટકા મતદાન થયું હતું. જ્યારે હાવડામાં 75.03 ટકા અને અલીપુરદ્વારમાં 73.65 ટકા મતદાન થયું હતું.
કૂચ બિહારમાં મતદાન દરમિયાન હિંસા
પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લામાં મતદાન દરમિયાન સ્થાનિક લોકો હુમલો કર્યા બાદ સીઆઈએસએફે કથિત રીતે ગોળીઓ ચલાવી હતી. જેમાં ચાર લોકોનાં મોત થયા હતા. આરોપ છે કે સ્થાનિક લોકોએ સીઆઈએસએફ જવાનોની રાઇફલો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાન ચાલી રહ્યું હતું ત્યારે સીતલકુચીમાં આ ઘટના બની હતી. ટીએમસીએ દાવો કર્યો હતો કે માર્યા ગયેલા ચાર લોકો તેના સમર્થક હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આવતીકાલે રવિવારે કૂચ બિહારના સ્થળની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી જ્યાં આજે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. પરંતુ ચૂંટણી પંચે આગામી 72 કલાક સુધી કૂચબિહારમાં કોઈ પણ નેતાના જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ મામલે સુરક્ષા દળો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, સવારે 9:30 વાગ્યાની આસપાસ સુરક્ષા દળો દ્વારા 50 થી 60 લોકોની ભીડને હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે એક બાળક નીચે પડી ગયું અને ઘાયલ થઈ ગયું હતું. તેના બાદ કેટલાક બદમાશોએ સીઆઈએસએફની ટીમના જવાનો પર હુમલો કર્યો હતો. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ક્યૂઆરટીએ આત્મરક્ષા માટે કાર્યવાહી કરતા ભીડને હટાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું.