મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપની મહિલા નેતા પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટ બાદ હવે ટ્વિટર બાયોમાંથી પણ ભાજપનું નામ હટાવી દીધું છે. જે બાદ તે શિવસેનામાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ છે.  શિવસેનાએ પણ એમ કહીને સસ્પેન્સ વધાર્યું છે કે અનેક નેતાઓ તેના સંપર્કમાં છે. જોકે મહારાષ્ટ્ર બીજેપી પ્રમુખ ચંદ્રકાત પાટીલે પંકજા મુંડે પાર્ટી છોડી રહી હોવાના અહેવાલ પાયાવિહોણા ગણાવ્યા હતા.


ભાજપના દિગ્ગજ નેતા રહેલા ગોપીનાથ મુંડેની દીકરી પંકજાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, આઠથી દસ દિવસમાં આગળનો રસ્તો પસંદ કરીશ. પંકજાની પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ટ્વિટર પર તેના બાયોમાંથી પાર્ટીનું નામ હટાવ્યું હતું. જે બાદ તેને લઈ અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.


પંકજા મુંડે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરલી વિધાનસભા સીટ પરથી પિતરાઈ ભાઈ ધનજંય મુંડે સામે હારી ગઈ હતી. પંકજાના સમર્થકોએ તેની હાર માટે દેવેન્દ્ર ફડણવીને જવાબદાર ગણાવ્યા હતા. પંકજાએ જાહેરમાં ફડણવીસ વિશે કશું કહ્યું નથી પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામે પોતાની વાત જરૂર રાખી છે.

પંકજા શિવસેનામાં સામેલ થઈ શકે તેવી અટકળો થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા બાદ પંકજાએ ટ્વિટ કરીને તેમની પ્રશંસા કરી હતી અને શુભકામના પણ પાઠવી હતી. શિવસેનાના નેતા સંજય રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે પંકજા મુંડે શિવસેનામાં સામેલ થઈ રહી છે? જેના જવાબમાં કહ્યું કે અનેક નેતા શિવસેનાના સંપર્કમાં છે.