મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારનું કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ વિસ્તારમાં કુલ 36 મંત્રીઓએ શપથ લીધા હતા. શિવસેનાના 12, એનસીપીના 14 અને કૉંગ્રેસના 10 મંત્રીઓએ શપથ લીધા હતા.




મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દિકરા અને વર્લી વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા આદિત્ય ઠાકરેએ પણ આજે કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. આજે શપથ ગ્રહણ સમારોહમાં આદિત્ય ઠાકરેએ માતા અને પિતાના નામ લઈને શપથ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સક્રિય રાજકારણમાં આદિત્ય ઠાકરેને લાવવા પાછળ તેમના માતા રશ્મિ ઠાકરેનું મોટું યોગદાન છે.

ચૂંટણી પંચને અપાયેલા સોગંદનામા મુજબ આદિત્ય ઠાકરે પાસે 17 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 11.38 કરોડ રૂપિયાની ચલ અને 4.67 કરોડની અચલ સંપત્તિ છે. આદિત્ય ઠાકરેના બેંક ખાતામાં 10.36 કરોડ રૂપિયા જમા છે.