અયોધ્યા: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે 100 દિવસ પૂરા થવા પર રામ લલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. તેમની સાથે પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે પણ હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપથી અલગ થયા છે હિંદુત્વથી નથી. તેમણે કહ્યું કે ભાજપનો મતલબ હિંદુત્વ નથી. હિંદુત્વ અલગ છે, બીજેપી અલગ છે. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે એક કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી હતી.

અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રામમંદિર મારા માટે સૌભાગ્યની વાત છે. હું હંમેશા અયોધ્યા આવતો રહીશ. સાથે તેમણે કહ્યું કે, આરતીમાં સામેલ થવાની ઈચ્છા હતી. અયોધ્યા આંદોલન વખતે મહારાષ્ટ્રથી અનેક કારસેવક આવ્યા હતા. તેથી જગ્યા મળશે ત્યારે અયોધ્યામાં મહારાષ્ટ્રન ભવનનું નિર્માણ માટે પણ તૈયાર છે. જેથી મહારાષ્ટ્રથી આવેલા લોકો અહીં રોકાઈ શકે.


ઉદ્ધવ ઠાકરે સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ લેવાના હતા પરંતુ કોરોના વાયરસના કારણે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી મોટી જન સભા આયોજિત ન કરવાની અપીલ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેના આ પ્રવાસનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તે ઘણા સ્વાગત કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કરનારા સંત મહંત અને હિંદુ મહાસભાના જિલ્લાઅધ્યક્ષને નજરકેદ રાખવામાં આવ્યા હતા. હનુમાનગઢીના મહંત રાજુ દાસ, હિંદુ મહાસભાના મહંત પરશુરામ દાસ પણ નજરબંધ રાખવામાં આવ્યા. જ્યારે તપસ્વી છાવણીના સંત પરમહંસને તેમના આશ્રમમાં જ નજરકેદ રાખવામાં આવ્યા છે.