નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શુક્રવારે રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની મોદી સાથે આ બીજી વખત મુલાકાત થશે. શિવસેનાએ તેને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ તેની જાણકારી આપી હતી.

પીએમ મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરશે. તે સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ મળવાનો કાર્યક્રમ છે.


ભાજપ સાથે ગઠબંધન તૂટ્યા બાદ પીએમ મોદી સાથે ઉદ્ધવ ઠાકરેની પ્રથમ મુલાકાત પૂણેમાં થઈ હતી, ત્યારે પીએમ મોદી પોલીસ મહાનિદેશક પરિષદને સંબોધન કરવા પહોંચ્યા હતા. પરંતુ તે સમયે બન્ને વચ્ચે કોઈ સત્તાવાર વાતચીત થઈ નહોતી.

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ વ્યંગ્યાત્મક રીતે કહ્યું હતું કે તેઓ જલ્દીજ મોટા ભાઈ નરેન્દ્ર મોદીને મળવા જશે, કારણ કે તેઓ મને નાનો ભાી માને છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી સાથેની આ મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરે રાજ્યના ખેડૂતોના દેવામાફી સહિત રાજ્યની વિવિધ યોજનાઓ માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી શકે છે.