નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ તેમની સાથે જોવા મળ્યા હતા. આ મુલાકાતની જાણકારી વડાપ્રધાન ઓફિસના સતાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી હતી.મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન મોદી સાથે આ મારી પ્રથમ મુલાકાત હતી. મેં વડાપ્રધાન મોદી સાથે રાજ્ય અંગે વાતચીત કરી હતી. અને કેન્દ્ર સરકારે તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. મેં એનઆરસી અને સીએએના મુદ્દા પર પણ તેમની સાથે વાતચીત કરી હતી.


ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, તેમણે મને આશ્વાસન આપ્યું છે કે આ પ્રકારની કોઇ વાત નથી. સીએએથી કોઇને ડરવાની જરૂર નથી. જ્યાં સુધી એનઆરસીની વાત છે તો તે આખા દેશમાં લાગુ થઇ રહ્યું નથી. સીએએના નામ પર મુસ્લિમોની અંદર ડર ફેલાવવામાં આવી રહ્યો છે.


ઠાકરે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાત્રે નવ વાગ્યે મુલાકાત કરશે. આ જાણકારી સંજય રાઉતે ટ્વિટ કરી આપી હતી. નોંધનીય છે કે નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ આ ઠાકરેની પ્રથમ દિલ્હી યાત્રા છે.