મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેબિનેટની બેઠક યોજી હતી. બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના નિર્ણયોની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પત્રકારો દ્વારા કરવામાં આવેલા સવાલ પર બરાબરના ભડક્યા હતાં.


આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેને પત્રકારોએ સવાલ કર્યો કે, શું શિવસેના સેક્યુલર થઈ ગઈ. આ સવાલ સાંભળતા જ ઉદ્ધવ ઠાકરે ભડકી ગયા. તેમણે કહ્યું કે, સેક્યુલર શું છે? આ દરમિયાન એનસીપી નેતા છગન ભુજબળે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા.


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બંધારણમાં જે કંઈ લખ્યું છે, તે સેક્યુલર છે. તેમણે કહ્યું કે, આ સરકાર સામાન્ય જનતા માટે કામ કરશે. જનતાના આશીર્વાદ મળતા રહેવા જોઈએ. તેમણે રાયગઢના શિવાજી કિલ્લાના સંવર્ધનના કામમાં ઝડપ લાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, શિવાજી કિલ્લા માટે 20 કરોડનું ફંડ રીલિઝ કરવામાં આવશે.


મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ  ઠાકરેએ કહ્યું કે, "અમારી સરકાર જનતા માટે કામ કરશે. એક કે બે દિવસમાં ખેડૂતોને મદદ માટે જાહેરાત કરવામાં આવશે. ઠાકરેએ કહ્યું કે મેં અધિકારીઓને આગામી બે દિવસમાં ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. એકવાર જ્યારે મને બધી બાબતોની માહિતી મળશે તે પછી તે મુજબ નિર્ણય લઈશ."