મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં ગુરુવારે કેબિનેટની પ્રથમ બેઠક થઈ હતી. બેઠક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ખેડૂતો મામલે મુખ્ય સચિવ પાસેથી જાણકારી માંગવામાં આવી છે. એક બે દિવસમાં ખેડૂતોના મુદ્દે જાહેરાત કરાશે. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે રાયગઢમાં છત્રપતિ શિવાજીના કિલ્લાનો વિકાસ કરવામાં આવશે. જેના માટે 20 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સાથે તે તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા જેઓએ આજે મંત્રી પદના શપથ લીધાં હતા.


શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજીપાર્કમાં રાખવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે સાથે કુલ 6 નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.


મહારાષ્ટ્રમાં આજે ત્રણેય પાર્ટીઓ દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણેય પક્ષોએ પોતાનો રોડમેપ જાહેર કર્યો છે. જેમાં ખેડૂતોના દેવાને પહેલાં મહત્વ આપીને તેને માફ કરવાની જાહેરાત કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં કાયદો બનાવી નોકરીમાં રાજ્યના યુવાઓને 80 ટકા અનામત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.