મુંબઇઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બંધના કારણે થઇ રહેલી અસુવિધા માટે દુખ છે. પરંતુ આપણી પાસે કોઇ બીજો વિકલ્પ નથી. ઠાકરેએ કહ્યુ કે, મને ચેનલો મારફતે દુનિયાભરના સમાચાર મળી રહ્યા છે. ચીનના વુહાનમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. આ સારા સમાચાર છે. જેનો અર્થ થયો કે સમયની સાથે સ્થિતિ સારી થઇ શકે છે.






મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, જ્યારે પણ ઘરની બહાર નીકળો તો માસ્ક જરૂર લગાવો. તેમણે નિવૃત થઇ ચૂકેલા સૈન્ય કર્મીઓ કે જેમની પાસે મેડિકલ ક્ષેત્ર, નર્સ, વોર્ડ બોયનો અનુભવ હોય તેમને આગળ આવવાની અપીલ કરી હતી અને કહ્યું કે મહારાષ્ટ્રને તમારી જરૂર છે. નોંધનીય છે કે કોરોના વાયરસના દર્દીઓ અન્ય રાજ્યોની સરખામણીએ આ સમયમાં મહારાષ્ટ્રમા સૌથી વધુ દર્દીઓ છે.



મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 60 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, તેમાં 44 કેસ મુંબઇ, પૂણેમાં નવ, નાગપુરમાં ચાર અને અહમદનગર, અકોલા અને બુલઢાનામાં એક-એક કેસ સામે આવ્યો છે. આ સાથે રાજ્યમાં પીડિતોની સંખ્યા 1,078 પર પહોંચી ગઇ છે. જ્યારે 64 લોકોના મોત થઇ ચૂક્યા છે.