નવી દિહીઃ ઉદ્ધવ સરકારમા સામેલ મહારાષ્ટ્ર કોગ્રેસની પત્રિકાના તાજેતરના અંકમાં વીર સાવરકર પર નિશાન સાધવામાં આવ્યું છે. પત્રિકામાં સાવરકર પર લેખ છાપવામા આવે કે નહી તેને લઇને પ્રદેશ કોગ્રેસમાં અસમંજસની સ્થિતિ હતી. જોકે, બાદમાં હાઇકમાનની દખલગીરી બાદ આ પત્રિકા રીલિઝ કરવામાં આવી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર કોગ્રેસની મરાઠીમાં પ્રકાશિત થનારી પત્રિકા શિડોરીના ફેબ્રુઆરી અંકમાં સાવરકર પર બે લેખ લખવામાં આવ્યા છે. જેમાં એક લેખનું ટાઇટલ છે- સ્વાતંત્ર્યવીર નવ્હે માફીવીર જેનો અર્થ થાય છે સ્વાતંત્ર્યવીર નહી માફીવીર. જ્યારે બીજા લેખનું ટાઇટલ છે અંધારાતીલ સાવરકર જેનો અર્થ થાય છે કે સાવરકરની અજાણી બાબતો. આ લેખમાં કહેવામાં આવ્યુ છે કે સાવરકર સાથે જોડાયેલા જે તમામ દસ્તાવેજો સામે આવ્યા છે તેને જોયા બાદ તે સ્વાતંત્ર્યવીર તરીકે નહી પરંતુ માફીવીર તરીકે સામે આવ્યા છે.
પત્રિકામાં આ લેખ મરાઠીની એક માસિક પત્રિકા ‘સામ્યયોગ સાધના’ પરથી સાભાર લેવામાં આવ્યો છે. જ્યારે બીજા લેખમાં સાવરકરના જીવન સાથે જોડાયેલી કેટલીક અંગત વાતોને રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ પ્રથમવાર નથી જ્યારે સાવરકરને લઇને કોગ્રેસ તરફથી લેખિત સામગ્રીમાં તેમની ટીકા કરવામાં આવી હોય આ અગાઉ મધ્યપ્રદેશ કોગ્રેસના સેવાદળ તરફથી સાવરકર પર લેખિત સામગ્રીમાં પણ તેમની ટીકા કરાઇ હતી જેને લઇને વિવાદ પેદા થયો હતો.