મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમા મોટો ઘટાડો થયો હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં  લોકડાઉન 15 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં હવે 15 જૂન સુધી લોકડાઉન લાગુ રહેશે. લોકડાઉન લંબાવવાનું કારણ આપતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકડાઉનથી જે રાહત મળી છે તેને ગુમાવી દેવી નથી જો કે જે જિલ્લામાં ઓછા કેસો નોંધાશે ત્યાં થોડી છૂટછાટો આપવામાં આવશે. અમારી મુખ્ય જવાબદારી રાજ્યને કોરોનાથી સુરક્ષિત રાખવાની છે.



 


પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કડક લોકડાઉનની જરુર નથી, પરંતુ કેટલાક જિલ્લાઓમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેમણે કહ્યું હાલ સ્થિતિ કાબૂમાં નથી આવી. પરંતુ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે મોટા શહેરો જેમ કે મુંબઈમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. 



રાજ્યના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે લોકો સતત સવાલો પૂછી રહ્યાં છે. પરંતુ રાજ્ય સુરક્ષિત રહે તેવી અમારી કોશિશ છે. કડક લોકડાઉન નહીં પરંતુ આ વખતે કડક નિયમ બનાવાયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ ઘણા એવા જિલ્લા છે જ્યાં નિયમો હળવા કરાયા છે અને ત્યાં કેસો વધવા લાગ્યાં છે. શહેર કરતા ગામડાઓમાં આવી સ્થિતિ વધારે જોવા મળી છે.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે રાજ્યમાં વધુ 15 દિવસ લોકડાઉન લંબાવવામાં આવે છે જે 15 જુન સુધી અમલમાં રહેશે. જિલ્લાના કેસો પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવશે. 


આ વખતે પણ લોકડાઉન દરમિયાન રાજ્યમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને પહેલાની જેમ અવર-જવરની છૂટ મળશે. પરંતુ જરુરી સામાન સાથે જોડાયેલી દુકાનો જે હાલ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી, તેને 1 જૂનથી સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી હશે. 


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન 1 જૂને પૂર્ણ થઈ રહ્યું હતું, પરંતુ સરકારની જાહેરાત બાદ આ 15 જૂન સુધી લાગુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મુજબ જિલ્લાઓમાં સંક્રમણના કેસને જોતા રાગત અને પ્રતિબંધોને નિર્ણય લેવામાં આવશે.