મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવા અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષ અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓની બેઠકમાં લોકડાઉનના નિર્ણય અંગે સરકારના નિર્ણય માટે તમામ પક્ષોનું સમર્થન માંગ્યું હતું. પૂર્વ મુખ્યપ્રધાન અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત ઉપસ્થિત સૌએ તેમને સમર્થન આપવાની ખાતરી આપી હતી. ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું કે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉનની  જરૂર છે.


8 દિવસનું કે 14 દિવસનું લોકડાઉન ?



મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની બેકાબૂ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ  કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે 8 દિવસના લોકડાઉનની તરફેણમાં વાત કરી હતી.  બીજી તરફ, કોવિડ ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યોએ કહ્યું કે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 14 દિવસના કડક લોકડાઉનની  જરૂર છે. આવી સ્થિતિમાં મીટિંગ દરમિયાન બે પ્રકારના મંતવ્યો બહાર આવ્યા હતા.



આવતીકાલે જાહેરાત થવાની શક્યતા


આ બેઠક પૂર્ણ થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ પછી સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે સોમવારે સવારે 11 વાગ્યે ફરી એકવાર બેઠક મળશે. આ બેઠક મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર વચ્ચે થશે. આ બેઠક બાદ લગભગ આવતીકાલે 12 તારીખે લોકડાઉન ક્યારથી લાગુ થશે અને કેવા પ્રતિબંધો હશે તેની જાહેરત થવાની પૂરી શક્યતા છે. મુખ્યમંત્રીએ  કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે 8 દિવસના લોકડાઉનની તરફેણમાં વાત કરી હતી.


મીટિંગમાં ઓક્સિજન, બેડ અંગે ચિંતા વ્યક્ત કરી


કોવિડ ટાસ્ક ફોર્સ સાથેની બેઠક દરમિયાન નિષ્ણાંતોએ હોસ્પિટલમાં બેડની સંખ્યા, ઓક્સિજનની ઉપલબ્ધતા અને વેન્ટિલેટર અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે ચિંતા વ્યક્ત કરી હતી. ડોકટરે આરોગ્ય વ્યવસ્થામાં ઉભા થઇ રહેલા તણાવને ઓછો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.આ બેઠકમાં રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.