મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉન પ્રતિબંધોને 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવ્યા છે. સરકારે લોકને નવા વર્ષનો જશ્ન મનાવવા ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી છે. રાજ્ય સરકારના પરિપત્રમાં લોકોને ઘરમાં જ નવા વર્ષનું સ્વાગત કરવા તથા દરિયા કિનારે-બાગ બગીચામાં જવાથી બચવાની અપીલ કરી છે.

સર્કુલરમાં ખાસ કરીને 10 વર્ષથી નાના બાળકો અને 60થી વધુ ઉંમરના વડીલોને મહામારીને ધ્યાનમાં રાખી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. મુંબઈમાં નવા વર્ષ પર મરીન ડ્રાઈવ, ગેટવે ઓફ ઈન્ડિયા, ગોરેગાંવ અને જૂહુ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં લોકો  ઉમટી પડે છે.



નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. હોટલ, રેસ્ટોરંટ, પબ્સને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જો આ સમય મર્યાદા બાદ હોટલ ખુલ્લી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. 31 ડિસેમ્બરે કોઈ પણ સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ન કરવા જણાવાયું છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,550 નવા કોવિડ-19 કેસ અને 286 લોકોના મોત નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,02,44,853 પર પહોંચી છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1,48,439 લોકોના મોત થયા છે, જ્યારે 98,34,141 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 2,62,272 એક્ટિવ કેસ છે.