મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ધમાસાણ વચ્ચે આજે સાંજે મુંબઈની હોટલ હયાતમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસના 162 ધારાસભ્યોની મીડિયા સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. ધારાસભ્યોને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ લઈ તેઓ પાર્ટીને વફાદાર રહેશે અને ભાજપને સમર્થન નહીં કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

સોમવારે સાંજે શિવસેના નેતા સંજય રાઉતે અચાનક ટ્વિટ કરીને 162 સંખ્યાબળનું ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે સાંજે હોટલમાં ગઠબંધનના 162 ધારાસભ્યોની પરેડ કરાવાશે. પરેડ થઈ ત્યારે અમે 162ના નારા પણ લાગ્યા. પરંતુ આ આંકડો કેવી રીતે આવ્યો તે જાણીએ.


શિવસેનાના 56, કોંગ્રેસના 44 અને એનસીપીના 54 ધારાસભ્યો છે. આ આંકડો કુલ મળીને 154 છે. એનસીપી નેતા અજીત પવાર ભાજપના ખોળે બેસી ગયા હોવાથી આંકડો 153 થાય. શિવસેના-એનસીપી-કોંગ્રેસના નાના પક્ષો અને અપક્ષો સાથે આવવાની આશા છે. પ્રહાર જનશક્તિપાર્ટીના બે ધારાસભ્યો પહેલા જ શિવસેનાને સમર્થન આપી ચુક્યા છે. ક્રાંતિકારી શેતકારી પાર્ટીના એક ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટીના બે ધારાસભ્ય ગઠબંધન સાથે છે. ચાર અપક્ષો પણ ગઠબંધન સાથે છે આ રીતે કુલ આંકડો 162 થાય છે.

આ રીતે સમજો પૂરું ગણિત

શિવસેના 56

એનસીપી 54 (-1)

કોંગ્રેસ 44

પ્રહાર જનશક્તિ પાર્ટી 2

સમાજવાદી પાર્ટી 2

ક્રાતિકારી શેતકારી પાર્ટી 1

અપક્ષ 4

કુલ 162

આ ગણિત સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ 162 ધારાસભ્યોની સાથે હુંકાર કર્યો હતો.