મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ધમાસાણ વચ્ચે આજે સાંજે મુંબઈની હોટલ હયાતમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસના 162 ધારાસભ્યોની મીડિયા સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. ધારાસભ્યોને સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ લઈ તેઓ પાર્ટીને વફાદાર રહેશે અને ભાજપને સમર્થન નહીં કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

શરદ પવારે કહ્યું કે, અમે અહીંયા મહારાષ્ટ્રની જનતા માટે એકત્ર થયા છીએ. ગઠબંધન માત્ર થોડા સમય માટે નહીં પરંતુ  લાંબા સમય માટે છે. હવે તો શિવસેના પણ અમારી સાથે આવી ગઈ છે. જે આ લોકોને સબક શીખવાડવા પૂરતું છે. બીજેપીએ અનૈતિક રીતે જે સરકાર બનાવી છે તેનાથી મહારાષ્ટ્રના લોકો ખુશ નથી. મહારાષ્ટ્રમાં કુલ 288 સીટો છે. કર્ણાટક, ગોવા, મણિપુરમાં બહુમત ન હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને સરકાર બનાવી. દેશનો ઈતિહાસ હવે બદલાશે, જેની શરૂઆત મહારાષ્ટ્રથી થશે.


અજીત પવારને લઈ પ્રથમ વખત ખુલીને બોલતા શરદ પવારે કહ્યું, તેને વિધાયક દળનો નેતા પસંદ કરવામાં આવ્યો હતો, જેનો તેણે દુરુપયોગ કર્યો. બધાને ગેરમાર્ગે દોર્યા. વ્હીપનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી થશે. અમે અજીતને હાંકી કાઢવાનો નિર્ણય લઈ લીધો છે. આ મુદ્દે અમે કાયદા નિષ્ણોતોનો અભિપ્રાય પણ લીધો છે. અજીતને કાઢી મુક્યા બાદ કોઈ નિર્ણય ન લઈ શકે. ત્રણેય પાર્ટીઓ ભેગી થઈને નિર્ણય લેશે. આ ગોવા, મણિપુર નથી મહારાષ્ટ્ર છે. રાજ્યપાલ અમારી વાત જરૂર સાંભળશે.


મહારાષ્ટ્રઃ શિવસેના, NCP, કોંગ્રેસના 162 ધારાસભ્યોએ શું લીધા શપથ ? જાણો વિગત