મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કુલ ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રકારે ભાજપે અત્યાર સુધીમાં 143 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. નવી લિસ્ટમાં શિરપુર (એસટી અનામત)થી કાશીમાર પવારા, રામટેકથી મલ્લિકાર્જુન રેડ્ડી, સાકોલીથી પરિણય ફુકે અને મલાડ વેસ્ટથી રમેશ સિંહ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.


નોંધનીય છે કે બંન્ને તરફથી ઉમેદવારોની જાહેરાત વચ્ચે ભાજપ અને શિવસેના વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઇને કોઇ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, સૂત્રોના મતે ગઠબંધન માટે થયેલી ડીલ અનુસાર ભાજપના ખાતામાં 162 અને શિવસેના પાસે 126 બેઠકો આવી છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે.

આ અગાઉ ભાજપે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ યાદીમાં 125 બેઠકો માટે ઉમેદવારોનું નામ હતુ જ્યારે બીજી યાદીમાં 14 ઉમેદવારોના નામ હતા.  બીજી તરફ શિવસેનાએ 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે.