મુંબઈમાં થયેલા 26/11 હુમલાએ આખા દેશને હચમચાવી દીધો હતો. તેમા ઘણા નિર્દોષ લોકોની સાથે સાથે દેશના પોલીસ જવાનોએ પણ શહીદી વહોરી હતી. હવે મોડે મોડેથી પણ 26/11ના બહાદુરોને તેમની બહાદુરી માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી પુરસ્કાર આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન આતંકવાદી અબુ અજમલ કસાબને બહાદુરીપૂર્વક પકડી પાડનારા તમામ પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું કે કુલ 15 પોલીસકર્મીઓ છે જેમાં કોન્સ્ટેબલ અને પોલીસ ઓફિસર રેન્કના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં જારી કરાયેલા આદેશ અનુસાર, જે પોલીસકર્મીઓએ પોતાની બહાદુરી બતાવી અને આતંકવાદી અબુ અજમલ કસાબને જીવતો પકડ્યો, તેમને તેમના એક રેન્કથી ઉપરના અધિકારીઓ જેટલો જ પગાર આપવામાં આવશે.


આતંકવાદી અજમલ કસાબને પકડનારા બહાદુરોને મહારાષ્ટ્ર સરકાર ઈનામ આપશે


મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ આદેશ હમણાં જ ગૃહ મંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યો છે, જે અમારી પાસે આવ્યો છે. તેનો અમલ કરવાનો બાકી છે. જો કે, તે એન્કાઉન્ટરમાં સામેલ મોટાભાગના પોલીસકર્મીઓ પ્રમોશનના બદલામાં ઈન્ક્રીમેન્ટના નિર્ણયથી ખુશ છે. તમને જણાવી દઈએ કે આતંકી અજમલ કસાબને ગિરગામ ચોપાટી પાસે નાકાબંધી કરીને પકડવામાં આવ્યો હતો. તો બીજી તરફ તુકારામ ઓમ્બલે આતંકવાદીઓની ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓ શહીદ થયા હતા.


 આતંકી કસાબ પર તુકારામ ઓમ્બેલે હથિયારો વિના તૂટી પડ્યા હતા


તમને જણાવી દઈએ કે નવેમ્બરની એ રાત્રે જ્યારે તુકારામે ગિરગામ ચોપાટી પર આતંકવાદી અજમલ કસાબનો સામનો કર્યો ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતું. તેમ છતા તેઓ  ખચકાટ વિના નિર્ભયતાથી અજમલ કસાબ પર તૂટી પડ્યા. સામે કસાબના હાથમાં એકે-47 હતી તેના ગોળીબારથી તુકારામ ત્યાં જ ઢળી પડ્યા અને શહીદ થયા. આ હુમલા બાદ દરિયાઈ સુરક્ષામાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો.