મુંબઈઃ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. જેને લઈ આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો.


કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી, અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ આગામી એક માર્ચ સુધી અમલી રહેશે. લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે. જ્યારે ઓફિસોમાં પણ માત્ર 15 ટકા સ્ટાફને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. તે સાથે જ શાળા-કોલેજો બંધ રહેશે. જો કે આ દરમિયાન અનિવાર્ય સેવાઓ ચાલું રહેશે.

અમરાવતીમાં આવેલી હોટલ અને રેસ્ટોરંટ માત્ર પાર્સલ જ વેચી શકશે.  અમરાવતીના કલેક્ટર શૈલેષ નવલે કહ્યું, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અચલપુર મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારમાં આજે રાત્રે 8 વાગ્યાથી 1 માર્ચ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ નાંખવામાં આવશે. ત જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.



સ્વાસ્થ્ય મંત્રાલયના વેબસાઇટ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે.