નાગપુરઃ દેશમાં કોરાનોનો વ્યાપ વધી રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર કોરોનાથી વધારે સંક્રમિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, નાગપુર, પુણે જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ દરમિયાન નાગપુરમાં 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.


નાગપુરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે જુલાઈ એન્ડથી 15 દિવસનું લોકડાઉન લાદવામાં આવશે. આ દરમિયાન કડક કર્ફ્યુનો અમલ કરાવવામાં આવશે અને લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રના ઊર્જા મંત્રી નીતિન રાઉત અને ગૃહ રાજ્ય મંત્રી અનિલ દેશમુખે શનિવારે યોજેલી રિવ્યૂ મીટિંગમાં શહેરમાં કોવિડ-19 ગાઇડલાઇનના થઈ રહેલા ઉલ્લંઘન અને નવા વધી રહેલા કેસને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.

રાઉતે કહ્યું, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિટી પોલીસને લોકડાઉનમાં કર્ફ્યુ સાથેનો પ્લાન તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.  લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદી શકે તે માટે 4-5 દિવસ પહેલા જ માહિતગાર કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,10,455 પર પહોંચી છે. 11,854 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 1,69,569 લોકો સાજા થઈ ગયા છે અને 1,29,032 એક્ટિવ કેસ છે.