મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે,  જોકે તેમ છતાં કેટલાક રાજ્યોના અમુક જિલ્લામાં હજુ સ્થિતિ નિયંત્રણ બહાર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આશરે 47 જેટલા જિલ્લાઓની યાદી તૈયાર કરાઇ છે કે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી પણ વધુ છે. જે રાજ્યોના 47 જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે તેમાં અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને સિક્કમના ચાર છે. જ્યારે આસામ, ત્રિપુરાના બે જિલ્લા અને કેરળના સાત જિલ્લાનો સમાવેશ થાય છે. તેમજ મહારાષ્ટ્ર અને પુડ્ડુચેરીના એક એક જ્યારે મણીપુરના નવ, મેઘાલયના ત્રણ, રાજસ્થાન અને નાગાલેંડના પાંચ જિલ્લાઓ પણ સામેલ છે. જ્યારે 54 જિલ્લા એવા છે કે જ્યાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પાંચથી 10 ટકાની વચ્ચે છે.


કેન્દ્રીય ટીમે પણ લીધી મુલાકાત


આ દરમિયાન મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં આગામી થોડા જ દિવસોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે, કેન્દ્રીય ટીમે કોરોનાગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી હતી અને કોલ્હાપુર તથા સાંગલીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા કહ્યું હતું. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, મહારાષ્ટ્રના જિલ્લાના પોઝિટિવિટી રેટ વધારે છે. કેન્દ્રની ટીમે મુલાકાત લઈને અહીં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટીકા (રસીકરણ) પર ભાર મુકવા જણાવ્યું હતું.


મહારાષ્ટ્રની શું છે સ્થિતિ


મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ક ફોર્સના એક્સપર્ટ ડો.શશાંક જોષીએ કહ્યું કોલ્હાપુર, સાંગલી, પુણે રૂરલ તથા અહમદનગર, નંદુરબારમાં વિરુદ્ધ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રનો વેસ્ટર્ન બેલ્ટ ચિંતાનું કારણ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 99,709 છે. જ્યારે 59,93,401 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 1,27,097 લોકોના કોરોનાથી મોત થયા છે.


દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા


દેશમાં આજે 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 97.37 ટકા થઈ ગયો છે. જયારે દરરોજનો પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે. દેશમાં ગઈકાલે 374 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. જ્યારે 374 મોતની સાથે કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 ગઈકાલે ડિસ્ચાર્જ થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે. દેશમા એક્ટિવ કેસની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 લાખ 67 હજાર 309 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ કુલ રસીકરણો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 એ પહોંચી ગયો છે.