Maharashtra Namo Kisan Nidhi Yojana: મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે નમો કિસાન નિધિ યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારની તર્જ પર લાવવામાં આવેલી આ યોજના હેઠળ હવેથી મહારાષ્ટ્ર સરકાર પણ રાજ્યના ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા સીધા જમા કરાવશે. જેનાથી ખેડૂતોને સીધો લાભ થશે. 


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે જણાવ્યું હતું કે, આજે કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના લાગુ કરવામાં આવશે. જે રીતે કેન્દ્ર સરકારે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો એવો જ નિર્ણય રાજ્ય દ્વારા પણ લેવામાં આવ્યો છે. જેને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, આ ઉપરાંત તેમની સરકાર માત્ર એક રૂપિયામાં પાક વીમા યોજનાનો લાભ પણ ખેડૂતોને આપશે.


મહારાષ્ટ્ર કેબિનેટે કપાસ ઉગાડતા પ્રદેશમાં રોકાણને પ્રોત્સાહિત કરવા નવી ટેક્સટાઈલ નીતિને પણ મંજૂરી આપી છે. આ દ્વારા સરકારે 25000 કરોડનું રોકાણ આકર્ષવાની યોજના બનાવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે કામદારોની સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓને લગતા નવા શ્રમ નિયમોને પણ મંજૂરી આપી છે. આ બાબતે જાણકારી આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેમણે લાખો કામદારોના હિતોનું રક્ષણ કર્યું છે.


આ ઉપરાંત સિલોદ તાલુકામાં મકાઈ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. મહિલા કેન્દ્રિત પ્રવાસન નીતિ મહિલાઓને પ્રવાસન વ્યવસાયમાં વધુ તકો પૂરી પાડશે. નવી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સપોર્ટ સર્વિસ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે જે રાજ્યને દેશમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં મોખરે લઈ જશે. તેમાં 95 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવામાં આવશે.


PM Kisan Yojana: કયા ખેડૂતોને 14મો હપ્તો મળશે?.... આ નવી યાદીમાં તમારું નામ તપાસવાનું ભૂલશો નહીં!


 કેન્દ્ર સરકારે ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત આજે દેશના કરોડો ખેડૂતોને ઘરે બેઠા રૂ.6,000ની સહાય મળી રહી છે. આ રકમ ખેડૂત પરિવારોના અંગત ખર્ચ અથવા ખેતી સંબંધિત નાની બાબતોમાં મદદ કરે છે. પીએમ કિસાન યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોના ખાતામાં 13 હપ્તાઓ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આગામી 2 થી 3 મહિનામાં ખેડૂતોને 14મા હપ્તા માટે 2,000 રૂપિયા પણ મળી જશે. પરંતુ આ પહેલા ખેડૂત ભાઈઓએ તેમની યોગ્યતા સાબિત કરવા માટે ચકાસણી કરાવવી ફરજિયાત છે.


ચકાસણી કેવી રીતે કરાવવી


પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોએ હવે પછીનો હપ્તો મેળવવા માટે તેમની યોગ્યતા સાબિત કરવી પડશે. આ માટે સરકારે ઇ-કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે. ઈ-કેવાયસી કરાવવા માટે, તમે તમારા નજીકના ઈ-મિત્ર કેન્દ્ર અથવા સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર ઈ-કેવાયસી ઓનલાઈન કરી શકો છો.