મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા છે તેનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મલિકને તાજેતરમાં દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પ્રવર્તન નિર્દેશાલય (ED) એ બુધવારે નવાબ મલિકની મુંબઈ અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી.






 


નવાબ મલિક થોડા મહિનાઓ પહેલાં ખૂબ ચર્ચાઓમાં આવ્યા હતા. તેમણે એન્ટી-ડ્રગ એજન્સી NCBના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડે સામે અંગત અને નોકરી સંબંધિત આરોપો મૂક્યા હતા. મલિકના જમાઈ સમીર ખાનની એનસીબીએ ગયા વર્ષે નાર્કોટિક્સના કેસમાં ધરપકડ કરી હતી. EDએ 15 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં દરોડા પાડ્યા પછી મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ, સંપત્તિની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ અને  કથિત હવાલા લેવડ-દેવડના સંબંધમાં નવો કેસ નોંધવામાં આવ્યો હતો.


બુધવારે PMLAની વિશેષ અદાલતે નવાબ મલિકને રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર, નવાબ મલિકની કસ્ટડી મળ્યા બાદ ED આ કેસમાં વધુ ધરપકડ કરી શકે છે. નવાબ મલિકના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, નવાબ મલિક બ્લડ પ્રેશરના દર્દી છે, તેથી તેમને દવા અને ઘરનું ભોજન આપવામાં આવે, જેના માટે કોર્ટે મંજૂરી આપી હતી. આ મામલે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મહા વિકાસ આઘાડીના નેતાઓ આ મામલે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે અને તેને રાજકારણ પ્રેરિત કાર્યવાહી ગણાવી રહ્યા છે.