Ajit Pawar On PM Modi : એનસીપી નેતા અજિત પવાર એક અઠવાડિયામાં ફરી એકવાર પાર્ટી લાઈન વિરૂદ્ધમાં જઈને પીએમ મોદીના બે મોઢે વખાણ કરી રહ્યાં છે. અગાઉ તેમણે પીએમ મોદીને મળી રહેલા જનાદેશનું સમર્થન કર્યું હતું. હવે તેમણે પોતાની પાર્ટી અને વિરોધ પક્ષથી વિરૂદ્ધ જતા ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગનું સમર્થન કર્યું છે. પવારે પીએમ મોદીની ડિગ્રીને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું.



એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારે કહ્યું હતું કે, મને ઈવીએમમાં પૂરો વિશ્વાસ છે. એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ છે. હારેલી પાર્ટી ઈવીએમને દોષ આપે છે, પરંતુ તે લોકોનો આદેશ છે.

NCP નેતાને પૂછવામાં આવ્યું હતું કે, MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ)ના મુખપત્ર સામનામાં EVMને નિશાન બનાવવામાં આવ્યું છે. સામનામાં તેમણે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ ઈવીએમને બદલે બેલેટ બોક્સ દ્વારા ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્યો હતો. આ અંગે અજિત પવારે કહ્યું હતું કે, મને વ્યક્તિગત રીતે ઈવીએમમાં વિશ્વાસ છે. જો ઈવીએમમાં ખામી હોત તો છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર ન હોત.

પવારે કહ્યું હતું કે, એક વ્યક્તિ માટે ઈવીએમ સાથે છેડછાડ કરવી શક્ય નથી કારણ કે તે એક મોટી સિસ્ટમ છે. જો કોઈ રીતે એ સાબિત થઈ જાય કે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે, તો દેશમાં ભારે હોબાળો મચી જશે. એટલા માટે મને નથી લાગતું કે કોઈ આવું કરવાની હિંમત કરશે. કેટલીકવાર કેટલાક લોકો ચૂંટણી હારી જાય છે પરંતુ તેઓને લાગે છે કે તેઓ હારી શકે તેમ જ નથી અને પછી EVM પર દોષારોપણ કરવાનું શરૂ કરી દે છે અને છટકી જાય છે. પરંતુ આ જ ખરો જનાદેશ છે.

PMની ડિગ્રી અને સાવરકર પર પવારે શું કહ્યું?

પીએમ મોદીની ડિગ્રી અને સાવરકર જેવા મુદ્દાઓ પર એનસીપીના વલણ વિશે પૂછવામાં આવ્યું તો અજિત પવારે કહ્યું હતું કે, જે પાર્ટીના માત્ર બે સાંસદો હતા તેમણે વર્ષ 2014માં પીએમ મોદીના નેતૃત્વમાં જનાદેશ સાથે સરકાર બનાવી દેશના છેવાડાના વિસ્તારોમાં પહોંચ્યો અને કામ કર્યું. તો શું તે મોદીનો કરિશ્મા નથી? તેમની વિરુદ્ધ અનેક નિવેદનો આવ્યા પરંતુ તેઓ વધુ લોકપ્રિય બન્યા અને તેમના નેતૃત્વમાં ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી. હવે 9 વર્ષ પછી આ મુદ્દાઓને ફરી બહાર કાઢવાનો શું ફાયદો? જનતા તેમના કામને જોવે. જ્યાં રાજકારણમાં શિક્ષણનો સવાલ છે તો અહીં તેનું બહુ મહત્વ નથી માનવામાં આવતું.

ચાર પૂર્વ મુખ્યમંત્રીઓના આપ્યા ઉદાહરણ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને ટાંકીને અજિત પવારે કહ્યું હતું કે, વસંતદાદા પાટીલ જેવા ચાર એવા મુખ્યમંત્રી છે, જેઓ બહુ ભણેલા ન હતા. પરંતુ વહીવટ ચલાવવાની તેમની રીત શાનદાર હતી. તેમના શાસનકાળ દરમિયાન ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો ખોલવામાં આવી હતી. તેથી જ રાજકારણમાં શિક્ષિત હોવું એ શરત નથી. તેથી જ આ મામલે મારું વલણ સ્પષ્ટ છે. તમે ગમે તે અર્થ કાઢી શકો છો. મારા માટે ચિંતાનો વિષય નથી.