Maharashtra NCP Crisis: શરદ પવાર સાથે અજિત પવાર જૂથના નેતાઓની બેઠક બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે પ્રફુલ પટેલ, હસન મુશ્રીફ, છગન ભુજબલ, અદિતિ તટકરે, દિલીપ વાલસે પાટીલ અને અન્ય બળવાખોર નેતાઓ શરદ પવારને મળવા માટે રવિવારના રોજ વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન શું બન્યું તેને લઈને એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે ખુલાસો કર્યો હતો.


આ બેઠક બાદ એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું હતું કે, અમે સરકારમાં નથી. કેટલાક લોકો બીજી તરફ ગયા છે અને તેમણે સરકારને સમર્થન આપ્યું છે, પરંતુ અમે સરકારને સમર્થન આપ્યું નથી. અમારા પક્ષમાં વિભાજન થઈ ગયું છે. શરદ પવારના નેતૃત્વમાં કામ કરી રહેલા અમે બધા શિવસેના અને કોંગ્રેસ સાથે વિધાનસભામાં સાથે જ બેસીશું.


"જો બળવાખોરો પાછા આવશે તો ખુશી થશે"


શરદ પવાર જૂથના જયંત પાટીલે વધુમાં કહ્યું હતું કે, જો આ તમામ મંત્રીઓ (જેઓ મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે) અમારી પાર્ટીમાં પાછા આવે છે, તો મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ તરીકે મને તેનાથી ખૂબ આનંદ થશે. અજિત પવારની આગેવાની હેઠળના જૂથ અને શરદ પવાર વચ્ચે તેમના કાકા સામે બળવો કરીને અને 2 જુલાઈએ એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી આ પ્રથમ બેઠક હતી.


અજિત પવાર જૂથે શું કહ્યું?


આ બેઠક બાદ અજિત પવાર કેમ્પના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, આજે અમે બધા અમારા નેતા શરદ પવારને મળવા આવ્યા હતા. અમે મળવા માટે કોઈ સમય માંગ્યો નથી. અમે શરદ પવારના આશીર્વાદ લેવા આવ્યા હતા. અમે તેમને કહ્યું હતું કે, અમારી ઈચ્છા છે કે પાર્ટી સાથે રહે અને મક્કમતાથી કામ કરે. જો કે શરદ પવારે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?


બીજી તરફ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર સાથે અજિત પવાર જૂથના નેતાઓની મુલાકાત પર કહ્યું હતું કે, શરદ પવાર વર્ષોથી તેમના નેતા હતા, તેથી તેઓ તેમને મળવા ગયા જ હશે, તેમાં કોઈ મોટી વાત નથી. અજિત પવાર શુક્રવારે શરદ પવારના પત્ની પ્રતિભા પવારને મળવા શરદ પવારના સત્તાવાર નિવાસસ્થાન સિલ્વર ઓક ગયા હતા. પ્રતિભા પવારે હાથની સર્જરી કરાવી છે.


https://t.me/abpasmitaofficial