Maharashtra Politics Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે NCPના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેની માંગ પર પગલાં લેતા NCP પ્રમુખ શરદ પવારે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. મહારાષ્ટ્રમાં અજિત પવારે શરદ પવારથી અલગ થઈ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.    


સુપ્રીયા સુલેએ ટ્વીટ કર્યું હતું કે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલે 2 જુલાઈના રોજ પાર્ટીના બંધારણ અને નિયમોનું સીધું ઉલ્લંઘન કર્યું છે, જે પાર્ટીના સભ્યપદમાં ગેરલાયક ઠેરવવા સમાન છે. એટલા માટે તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ.






અયોગ્યતાની અરજી દાખલ કરવાની માંગ


સુપ્રિયા સુલેએ કહ્યું,  હું શરદ પવારને વિનંતી કરું છું કે તે તાત્કાલિક પગલાં લે અને સક્ષમ અધિકારી સમક્ષ ભારતના બંધારણની 10મી અનુસૂચિ હેઠળ સંસદના સભ્યો વિરુદ્ધ ગેરલાયકાતની અરજી દાખલ કરે.


સુપ્રિયા સુલેએ તટકરે અને પટેલ વિશે શું કહ્યું ?


સુપ્રિયા સુલેએ શરદ પવારને લખેલા તેમના પત્રમાં લખ્યું છે કે, 9 બળવાખોર ધારાસભ્યોને સમર્થન આપવાનો 2 સાંસદોનો આ નિર્ણય પાર્ટી અધ્યક્ષની પરવાનગી વગર અને તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર લેવામાં આવ્યો છે. આ પક્ષપલટો  ગુપ્ત રીતે કરવામાં આવ્યો જે પક્ષ પ્રમુખની જાણ કે સંમતિ વગર છે. 






શરદ પવારે શું આપ્યું નિવેદન


આ પહેલા રવિવારે (2 જુલાઈ) શરદ પવારનું આ બંને નેતાઓને લઈને મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "હું પ્રફુલ પટેલ અને તટકરે સિવાય કોઈનાથી નારાજ નથી. મેં તેમને મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેઓએ પાર્ટી અધ્યક્ષની ગાઈડલાઈન્સનું પાલન ન કર્યું અને ખોટો રસ્તો અપનાવ્યો.