Maharashtra : એકનાથ શિંદે (CM Eknath Shinde) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ  NCP સુપ્રીમો  શરદ પવાર (Sharad Pawar)  અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું પહેલું નિવેદન સામે આવ્યું છે.  શરદ  પવાર અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ નવા સીએમ એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યાં છે. 


શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ ? 
પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે - “હું મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને અભિનંદન આપું છું. મને આશા છે કે તમારા બંને દ્વારા મહારાષ્ટ્રમાં સારું કામ થશે.”






શું કહ્યું શરદ પવારે? 
ન્યુઝ એજેન્સી ANI સાથે વાત કરતા શરદ પવારે કહ્યું, “ મેં એકનાથ શિંદે સાથે વાત કરી અને તેમને અભિનંદન આપ્યા. મેં મારી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી કે એક રાજ્યનો વડા માત્ર એક પક્ષ નહીં પણ સમગ્ર રાજ્યનું નેતૃત્વ કરે છે. તમે કોઈપણ પક્ષનું પ્રતિનિધિત્વ કરી શકો છો પરંતુ શપથ લીધા પછી તમે રાજ્યનું પ્રતિનિધિત્વ કરો છો. તેથી, હું આશા રાખું છું કે તે તમામ વિભાગોના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરશો.”


આગળ તેમણે કહ્યું, “હું એકનાથ શિંદેને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન આપું છું. તેમણે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવાની તાકાત બતાવી. તેમણે લોકોને શિવસેના છોડવા માટે પ્રેરિત કર્યા. મને ખબર નથી કે આ પહેલા થયું હતું કે નહીં. પરંતુ તૈયારી વિના આ બન્યું ન હતું.”




આ સાથે જ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ વિશે શરદ પવારે કહ્યું, “મને નથી લાગતું કે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમનું નંબર 2 પદ ખુશીથી સ્વીકાર્યું હોય. આ તેમના ચહેરા પર જોઈ શકાય છે. પરંતુ તેઓ નાગપુરમાં રહેતા હતા, RSS સ્વયંસેવક તરીકે આ તેમની નૈતિકતા છે, તેથી તેમણે પદ સ્વીકાર્યું.”