Maharashtra Nikay Chunav 2025: મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ અને લલચામણા નિવેદનો હવે તેમના માટે ગળાનો ગાળિયો બની શકે છે. રાજ્ય ચૂંટણી પંચે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, અજિત પવાર સહિત કુલ 20 જેટલા દિગ્ગજ નેતાઓ વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પંચે સંબંધિત વિસ્તારોના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) પાસેથી તાત્કાલિક અસરથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ નેતાઓ પર મતદારોને પ્રભાવિત કરવા માટે આચારસંહિતાનો ભંગ થાય તેવા વચનો આપવાનો આરોપ છે.

Continues below advertisement

20 નેતાઓ સામે ચૂંટણી પંચની લાલ આંખ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી પંચે આચારસંહિતાના ઉલ્લંઘનને લઈને કડક વલણ અપનાવ્યું છે. એકનાથ શિંદે, અજિત પવાર, ગુલાબરાવ પાટીલ, સંજય શિરસાટ, જયકુમાર ગોર અને ભાજપ નેતા ચિત્રા વાઘ જેવા મોટા માથાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ તમામ નેતાઓએ પ્રચાર દરમિયાન કથિત રીતે એવા નિવેદનો આપ્યા હતા જે મતદારોને લલચાવવા અથવા ગેરમાર્ગે દોરવા સમાન હતા. પંચે આ તમામ 20 નેતાઓના ભાષણોની નોંધ લીધી છે.

Continues below advertisement

કયા નિવેદનો બન્યા વિવાદનું કારણ?

તપાસના કેન્દ્રમાં રહેલા કેટલાક મુખ્ય નિવેદનો નીચે મુજબ છે, જેણે વિવાદ સર્જ્યો છે:

ગુલાબરાવ પાટીલ: તેમણે જાહેરમાં કહ્યું હતું કે તેઓ મતદારોને "દેવી લક્ષ્મીના દર્શન કરાવશે", જેનો સીધો અર્થ પૈસાની વહેંચણી સાથે જોડવામાં આવી રહ્યો છે.

એકનાથ શિંદે: શિવસેના ચીફ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ "તિજોરીની ચાવીઓ આપવા" અંગે કરેલી ટિપ્પણી તપાસના દાયરામાં છે. આ નિવેદન સરકારી ભંડોળના દુરુપયોગ અથવા મનસ્વી ફાળવણી તરફ ઈશારો કરે છે.

ચિત્રા વાઘ: ભાજપ નેતા ચિત્રા વાઘે કહ્યું હતું કે, "લોકો ભલે કોઈનું પણ મીઠું ખાય, પરંતુ બટન તો માત્ર 'કમળ'નું જ દબાવશે." આ નિવેદનને મતદારો પર દબાણ અથવા પ્રલોભન તરીકે જોવામાં આવી રહ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા આદેશ

રાજ્ય ચૂંટણી પંચે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા જે-તે વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો છે. અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને નેતાઓના ભાષણના ફૂટેજ અને સંદર્ભ સાથેનો રિપોર્ટ જમા કરાવવા સૂચના અપાઈ છે. જો રિપોર્ટમાં આચારસંહિતા ભંગ સાબિત થશે, તો આ નેતાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે અથવા ચૂંટણી પંચ નોટિસ ફટકારી શકે છે. આ કાર્યવાહીથી શાસક પક્ષ મહાયુતિ ગઠબંધનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.