મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાઓમાં સામેલ પંકજા મુંડેએ ભાજપની કોર કમિટીને છોડી દિધી છે. છેલ્લા ઘણા દિવસોથી પંકજા પાર્ટી છોડશે તેવી અટકળો ચાલતી હતી. પંકજા મુંડેએ આજે જાહેરાત કરી છે કે તે પોતાના પિતાના નામ પર મુંબઈમાં ઓફિસ બનાવી 26 જાન્યુઆરીથી મશાલ લઈને સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. પોતાના પિતા ગોપીનાથ મુંડેની જયંતી પર બીડમાં એક કાર્યક્રમમાં પંકજા મુંડેએ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની હાજરીમાં આ જાહેરાત કરી હતી. પંકજાએ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ પર કાવતરૂ કરવાનો આરોપ લગાવ્યો છે.


આ પહેલા 1 ડિસેમ્બરના ફેસબૂક પોસ્ટ શેર કરી પંકજાએ જાહેરાત કરી હતી કે 12 ડિસેમ્બરે પોતાની પિતાની જયંતીના દિવસે તે કોઈ મોટી નિર્ણય લઈ શકે છે. આજે તેમણે પોતાના મતક્ષેત્રમાં જનતા સામે પોતાનો નિર્ણય સંભળાવ્યો.

પંકજા મુંડેએ લોકોને અપીલ કરતા કહ્યું કે આ મેદાનમાં તેમણે ગોપીનાથ મુંડે સાહેબને મુખાગ્ની આપી હતી. તેમણે કહ્યું ગોપીનાથ મુંડેએ ક્યારેય કોઈની પીઠમાં ખંજર નથી માર્યું. પંકજાએ કહ્યું તે ચૂંટણી એક દિવસ પહેલા સુધી બીજા ઉમેદવારો માટે પ્રચાર કરી રહી હતી. તેણે કહ્યું તે એક-એક ધારાસભ્ય સાથે મળી કામ કરી રહી હતી.

મહારાષ્ટ્ર ભાજપ સામે આક્રોશ જાહેર કરતા પંકજા મુંડેએ કહ્યું, હું બગાવત શા માટે કરૂ. લોકોએ મારી વિરૂદ્ધ કાવતરૂ કર્યું છે. મારા પિતાએ ભાજપને ઝીરોથી અહીં સુધી લાવ્યા અને મે પણ યોગદાન આપ્યું છે, પરંતુ હવે પાર્ટી નિર્ણય લે શું કરવાનું છે. હું પાર્ટી નહી છોડીશ. પરંતુ પાર્ટી એ વાત જાણે કે મારી વિરૂદ્ધમાં કોણે કાવતરાની સાજિસ કરી હતી.

પંકજાએ આ દરમિયાન જનતાને સંબોધન કરતા શાયરાના અંદાજમાં ભાજપ નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું, 'શાંત હું એ મત સમજના આગ નહી મેરે અંદર, ડરતી હુ સમંદર ન કમ પડ જાયે બુઝાને કે લિએ.'