Lok Sabha Election 2024: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતને લોકસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી ઇચ્છે છે કે સંજય રાઉત લોકસભા ચૂંટણી લડે. રાઉત મુંબઈની નોર્થ ઈસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. સંજય રાઉત હાલમાં રાજ્યસભાના સાંસદ છે.           


સંજય રાઉતની ગણતરી ઉદ્ધવ ઠાકરેના નજીકના લોકોમાં થાય છે. 2019માં વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે શિવસેના અને ભાજપ મુખ્યમંત્રી પદને લઈને અલગ થઈ ગયા ત્યારથી તેઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.                                                                


મુશ્કેલ સમયમાં ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા


જૂન 2022 માં જ્યારે શિવસેનામાં મોટો બળવો થયો અને મોટી સંખ્યામાં પક્ષના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદેના જૂથમાં જોડાયા હતા અને  ઉદ્ધવને ફટકો આપ્યો હતો તે સમયે પણ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો ન હતો. તેમણે એકનાથ શિંદે અને તેમની સાથે ગયેલા લોકોને ગદ્દાર પણ કહ્યા હતા.                             


સંજય રાઉત એનસીપીમાં બળવો કરીને રાજ્યની શિંદે સરકારમાં જોડાનારા અજિત પવાર પર પણ નિશાન સાધ્યું હતું. રવિવાર (20 ઓગસ્ટ) ના રોજ 'સામના'ના સાપ્તાહિક લેખમાં તેમણે અજિત પવારની તુલના લક્કડખોદ પક્ષી સાથે કરી હતી. રાઉતે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના એક કાર્ટૂનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે શરદ પવારને એક લક્કડખોદ પક્ષી તરીકે દર્શાવ્યા હતા જે ખુરશીમાં કાણાં પાડી દે છે.                                  


રાઉતે લેખમાં કહ્યું હતું કે, અજિત પવાર હવે એ જ લક્કડખોદ પક્ષી તરીકે ઉભરી રહ્યા છે. ભાજપ હવે અજિત પવારનો ઉપયોગ કરીને શરદ પવાર યુગનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે એમ પણ લખ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અજિત પવારનો ઉપયોગ એકનાથ શિંદેની સીએમ ખુરશીમાં કાણાં પાડવા માટે કરશે.