Weather Update: ભારે વરસાદ, ભૂસ્ખલનને કારણે તબાહીનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મુશ્કેલીઓ વધી શકે છે. ભારતીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આ સાત રાજ્યો માટે 21 થી 24 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે હિમાચલ અને ઉત્તરાખંડમાં 115.6 થી 204.4 મીમી સુધીના ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે આ સમય દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સંભાવના છે. આ સિવાય વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે વિનાશ જોવા મળ્યો છે. આ રાજ્યોમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકસાન થયું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ 22 અને 23 ઓગસ્ટના રોજ 115.6 થી 204.4 મીમી સુધીનો ભારે વરસાદ થવાની સંભાવના છે. પૂર્વ યુપીમાં 21 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદ પડશે
રાજસ્થાનની સાથે સાથે હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક જગ્યાએ વાવાઝોડાની સંભાવના છે. લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
કેન્દ્ર હિમાચલને 200 કરોડ આપશે
કેન્દ્ર સરકારે રવિવારે હિમાચલ પ્રદેશને સહાય તરીકે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 200 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રએ 10 અને 17 જુલાઈના રોજ બે હપ્તામાં રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના કેન્દ્રીય હિસ્સામાંથી 360.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. NDRFની 20 ટીમો, આર્મીની 9 ટૂકડીઓ અને એરફોર્સના 3 હેલિકોપ્ટર બચાવ અને રાહત માટે તૈનાત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ઉતરાખંડમાં મુસાફરો ભરેલી ભાવનગરના ખાનગી સંચાલક બસ ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ખીણમાં ખાબકતા દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 27ને રેસ્ક્યુ કરી હોસ્પિટલે ખસેડાયા છે. બસમાં ગુજરાતી પ્રવાસીઓ સવાર હતાય જેમાં 31 લોકો પૈકીના 3 સુરતના, 8-ભાવનગર, 16 તળાજા-ત્રાપજ-કંઠવા અને 2-મહુવાના મુસાફરો હતા. યાત્રા કરી પરત ફરતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.